Supporting information for parents (Gujarati)

માતાપિતા માટે સહાયક માહિતી - Boloh: અશ્વેત, એશિયન અને લઘુમતી વંશનાં કુટુંબો માટે કોવિડ-19 હેલ્પલાઇન

Boloh હેલ્પલાઇન વિશે

Boloh હેલ્પલાઇન એ એવી સેવા છે જેને બર્નાર્ડો દ્વારા નૅશનલ ઇમર્જન્સીઝ ટ્રસ્ટ તરફથી ભંડોળ વડે 1 ઑક્ટોબરના રોજ શરૂ કરવામાં આવી હતી. જેઓ અનુપાતહીન રીતે પ્રભાવિત થયા હોય એવા અશ્વેત, એશિયન અને લઘુમતી વંશના સમુદાયો પર મહામારીની અસરના પ્રતિભાવ તરીકે આ હેલ્પલાઇન છે.

હેલ્પલાઇનનો સ્ટાફ અશ્વેત, એશિયન અને લઘુમતી વંશના સમુદાયનો હશે અથવા આ સમુદાયનાં બાળકો, યુવાનો અને તેમનાં કુટુંબોને સેવાઓ આપવાનો વ્યાવસાયિક અનુભવ અગાઉ ધરાવતા હશે.

અમે કઈ રીતે મદદ કરી શકીએ?

શું તમે અશ્વેત, એશિયન અથવા લઘુમતી વંશના બાળક, યુવાન, માતા કે પિતા અથવા સંભાળકર્તા છો જેઓ કોવિડ-19થી પ્રભાવિત થયા હોય? જો હા, તો તમે કદાચ કોઈનો વિયોગ, નુકસાન, બેરોજગારી, આર્થિક મુશ્કેલીઓ અનુભવી હોઈ શકે, તમારા બાળકની સ્કૂલ અથવા ભવિષ્ય વિશે ચિંતિત હોઈ શકો છો, મિત્ર અથવા કુટુંબીજન વિશે ચિંતિત હોઈ શકો છો, લૉકડાઉન બાબતે તણાવગ્રસ્ત અને ચિંતાતુર હોઈ શકો છો. આ ઉપરાંત, તમને અન્ય સમસ્યાઓ વિશે ચિંતા હોઈ શકે છે. તમે આ સમય દરમિયાન તમારી ચિંતાઓ, સમસ્યાઓ અને તણાવ વિશે અમારી સાથે વાત કરી શકો છો અને અમે ભાવનાત્મક સહાયતા, વ્યાવહારિક સલાહ તથા જેઓ વધુ મદદ કરી શકે એવી સંસ્થાઓ તરફ તમને દોરી શકીએ છીએ.

અમે જે સહાયતા પૂરી પાડીએ છીએ તે તમારા માટે અને તમે જેમની સંભાળ લેતાં હો એવાં બાળક(કો) માટે છે. તમે અમને કૉલ કરી શકો છો અથવા અમારી વેબસાઇટ પર ઉપલબ્ધ વેબચેટ સુવિધા દ્વારા અમારી સાથે ચેટ કરી શકો છો. તમારે તમારી વિગતો અમને આપવાની જરૂર નથી, પરંતુ જો તમે ચિકિત્સકોની અમારી ટીમ કે અન્ય સેવાને તમારી ભલામણ કરવામાં આવે તેમ ઇચ્છતા હો તો અમારે તમારી વિગતો લેવાની અને તમારી સંમતિ સાથે તેને અન્યોને આપવાની જરૂર પડશે. તમે અમારી વેબસાઇટ પર વિવિધ બાબતો પર સહાયક બને એવી સલાહ પણ મેળવી શકો છો, દા.ત. ભાવનાત્મક સુખાકારી, કુટુંબોને ટેકો આપવો, પીડા અને નુકસાન.

જ્યારે તમે હેલ્પલાઇનનો સંપર્ક કરો ત્યારે શું થાય છે?

તમે એક મૈત્રીપૂર્ણ હેલ્પલાઇન સલાહકાર તરફથી પ્રતિભાવ મેળવશો, જેઓ તમે અને/અથવા તમારું બાળક(કો) કેવો અનુભવ કરી રહ્યું છે તે વિશે તમારી સાથે વાત કરશે. હેલ્પલાઇન સલાહકાર તમને સાંભળશે અને તમારે જરૂરી સહાયતા અને સલાહના પ્રકાર વિશે નિર્ણય લેવામાં તમને મદદ કરશે. તમારી સંમતિ સાથે હેલ્પલાઇન સલાહકાર તમને ઘણા કૉલ કરી શકે છે અને તમને અનુકૂળ હોય એવા સમયે તેઓ કૉલ કરવાની વ્યવસ્થા કરી શકે છે.

કાઉન્સેલિંગનાં છ સત્રો કરવાં માટે અમારા કોઈ એક ચિકિત્સક સાથે તમારી અને/અથવા તમારા બાળક(કો)ની વાત કરાવવા માટે હેલ્પલાઇન સલાહકાર વ્યવસ્થા કરી શકે છે અને જરૂર પડે તો વધુ સત્રોનો પ્રસ્તાવ આપવામાં આવી શકે છે. તમારા કુટુંબની જરૂરિયાતો અને સંજોગોના આધારે અઠવાડિયામાં એક કે બે વખત ફોન પર સત્રો થશે. પ્રથમ અને છઠ્ઠું સત્ર 45 મિનિટનું હશે, જેથી કુટુંબ અથવા વ્યક્તિ જે ત્રણ મુખ્ય પડકારોનો સામનો કરી રહ્યા હોય તેના વિશે પ્રારંભિક આધારરૂપ મૂલ્યાંકન કરી શકાય, જ્યારે છેલ્લા સત્રમાં સેવા દરમિયાન થયેલ પ્રગતિ અંગે ચર્ચા અને નોંધ કરાશે. બેથી પાંચ સુધીનાં સત્રો, કે જે દરેક 30 મિનિટનાં હશે, તેમાં પ્રથમ સત્રમાં ઓળખવામાં આવેલા મહત્ત્વના પડકારોના સમાધાન માટે ચિકિત્સકીય સહાયતાનો સમાવેશ થયેલો હશે.

શું સહાયતા વિવિધ ભાષાઓમાં પૂરી પાડી શકાશે?

અમારા હેલ્પલાઇન સલાહકારો અંગ્રેજી, ઉર્દૂ, હિન્દી, મીરપુરી અને પંજાબીમાં સેવા પૂરી પાડી શકે છે. ડિસેમ્બર 2020માં ઉપલબ્ધ ભાષાઓમાં એમ્હેરિક અને તિગરિન્યાનો સમાવેશ કરાશે અને અન્ય ભાષાઓમાં દુભાષિયાઓ પૂરા પાડવામાં આવી શકે છે. ચિકિત્સકીય સત્રો નીચેની ભાષાઓમાં પૂરાં પાડી શકાશે: અંગ્રેજી, બંગાળી, હિન્દી, ફ્રેન્ચ, પંજાબી અને ગ્રીક.

કેસનો અભ્યાસ

કેસના આ અભ્યાસો Boloh હેલ્પલાઇન કઈ રીતે સહાયતા પૂરી પાડી શકે છે તેનાં ઉદાહરણો આપશે.

માર્થા એ બે કિશોરોની માતા છે જેઓ સ્થાનિક માધ્યમિક શાળાએ જાય છે. પોતાના 15 વર્ષીય પુત્રે કોરોનાવાઇરસનો ચેપ લાગવાના ડરને કારણે શાળામાં હાજરી આપવાની ના પાડવાની શરૂઆત કરતા માર્થાને પુત્રની ચિંતા થવા લાગી. માર્થાએ આ અંગે પોતાના પુત્રના શિક્ષક સાથે વાત કરી અને તેને સહાયતા માંગવા માટે Boloh હેલ્પલાઇનનો નંબર આપવામાં આવ્યો.

માર્થાએ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો અને હેલ્પલાઇન સલાહકાર નાઝ સાથે વાત કરી. માર્થાએ નાઝને આ પ્રમાણે વાતો કરી: "મારા પુત્રે એવું સાંભળ્યું છે કે અશ્વેત લોકો કોવિડને કારણે મૃત્યુ પામે તેવી સંભાવના વધારે હોય છે અને હવે તેને ચિંતાના હુમલાઓ આવે છે. તે અમને, આપણે મૃત્યુ પામીશું કે કેમ તેવું પૂછે છે અને શાળાએ જવા માટે તે ઘરમાંથી નીકળવા માટે તૈયાર નથી. અમને તેની ઘણી ચિંતા થાય છે અને શું કરવું તે સમજાતું નથી." ઘણા કૉલ્સ દરમિયાન, નાઝે માર્થા સાથે તેના પુત્ર બાબતનાં ડર અને ચિંતાઓ અંગે ચર્ચા કરી અને પુત્રની ચિંતાઓ અને ડર અંગે ચિકિત્સક સાથે વાતચીત કરવા માટે કાઉન્સેલિંગ માટે પુત્રને તૈયાર કર્યો. માર્થા અને તેના પુત્ર બંનેએ ચિકિત્સક સાથે અલગ-અલગ કાઉન્સેલિંગ સત્રો કર્યાં. માર્થાનો પુત્ર હવે કોવિડ-19 સાથે સંબંધિત પોતાની ચિંતા પર કાબૂ મેળવવા તરફ આગળ વધી રહ્યો છે.

કેસનો અભ્યાસ

પોતાના ફેસબૂક પેજ પર એક પોસ્ટ જોઈને કેલ્હને વેબચેટ પર હેલ્પલાઇનનો સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું કે શરૂઆતમાં તેમને રજાઓ પર ઉતારવામાં આવ્યા અને ત્યારબાદ તેને પાણીચું પકડાવવામાં આવ્યું. તેને ચિંતા છે કે તેઓ ભાડું નહીં ચૂકવી શકે અને પોતાના કુટુંબ માટે ભોજનની વ્યવસ્થા નહીં કરી શકે. હેલ્પલાઇન સલાહકાર સાથે વેબચેટ દરમિયાન તેમણે હેલ્પલાઇન સલાહકારને પોતાની પરિસ્થિતિઓ વિશે વાત કરવા માટે પોતાને કૉલ કરવા માટે વિનંતી કરી. હેલ્પલાઇન સલાહકાર, સેરાએ કેલ્હનનો સંપર્ક કર્યો અને તેની સ્થિતિ અંગે તેઓએ ચર્ચા કરી. સેરાએ બધી માહિતી મેળવી અને કેલ્હનની અનુમતિ સાથે એ વાતે સંમત થઈ કે પોતે બર્નાર્ડોમાં અને અન્ય સંસ્થાઓમાંની સેવાઓમાં થોડી પૂછપરછ કરશે, જેઓ મદદ કરી શકે તેમ હોય. કેલ્હન જ્યાં રહે છે અને કામ કરે છે તે વિસ્તારમાં આવેલી ઘણી સ્થાનિક સેવાઓ સાથે સેરાએ વાત કરી, જેથી કેલ્હન અને તેમના પરિવારને મદદ કરવા માટે સૌથી યોગ્ય હોય એવી મહત્ત્વની સેવાઓની ઓળખ થઈ શકે. સેરાએ ત્યારબાદ આ માહિતી કેલ્હનને આપી, જેણે સ્થાનિક ચેરિટીનો સંપર્ક કરતાં આ ચેરિટીએ તેમને અને તેમના કુટુંબને મદદ કરી.

 મહામારીએ સર્જેલા પડકારોને પહોંચી વળવા અને તેમાંથી બહાર નીકળવા માટે અશ્વેત, એશિયન અને લઘુમતી વંશનાં બાળકો અને યુવાનો પોતાની આંતરિક શક્તિ વિકસાવી શકે તે જોવાનું અમારું વિઝન છે.  આ વિઝનને સાકાર કરવા માટે અમને તમારી સાથે કામ કરવામાં ખૂબ આનંદ થશે, તેથી જો તમને સહાયતાની જરૂર હોય તો નીચે પ્રમાણે સંપર્ક કરીને અમારી સાથે વાત કરો:

ફ્રી ફોન: 0800 151 2605

ઇમેલ: Boloh.helpline@barnardos.org.uk

વેબસાઇટ: https://helpline.barnardos.org.uk/